તે વરિષ્ઠ અધિકારી, જેમના નિયંત્રણ હેઠળ ઘણી શાળાઓ હતી, મુનશી પાસેથી ઇનામમાં એક ચમકતો એક પૈસાનો સિક્કો લેવા મંચ પર આવેલો હતો. આ 1939નું  પંજાબ હતું.  તે માંડ 11 વર્ષનો, ત્રીજા ધોરણનો ભણતો, કક્ષામાં પ્રથમ આવેલો વિદ્યાર્થી હતો. મુનશીએ તેના માથા પર હળવેકથી ટપલી મારતા તેને ‘બ્રિટાનિયા ઝિંદાબાદ, હિટલર મુર્દાબાદ.’ ના નારા લગાવવા કહ્યું. યુવાન ભગત સિંહ -  એમનું નામ જ ખ્યાતનામ ભગતસિંહ નામ જેવું હોવાથી ગૂંચવાવું નહીં - સમારોહમાં પ્રેક્ષકોની સામે ઊભા ને બરાડ્યા "બ્રિટાનિયા મુર્દાબાદ, હિન્દુસ્તાન ઝિંદાબાદ.

તેની ઉદ્ધાતાઈના પરિણામો આવતાં જરાય વાર ના થઇ. મુન્શી બાબુએ પોતાના હાથે ત્યાં ને  ત્યાં તેને ઘીબી નાખ્યો અને સરકારી પ્રાથમિક શાળા, સમુદ્રામાંથી એને બહાર ફેંકી દીધો હતો. ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ આઘાતમાં ચૂપ થઇ જોતાં રહ્યા, અને પછી ભાગી ગયા. સ્થાનિક શાળા ઓથોરિટી - જેને આપણે આજે બ્લોક એજ્યુકેશન ઓફિસર કહી શકીએ છીએ -  તેમણે આજના પંજાબના હોશિયાપુર જિલ્લામાં ડેપ્યુટી કમિશનરની મંજૂરી એક પત્ર જારી કર્યો. પત્રમાં 11 વર્ષની ઉંમરના આ વિદ્યાર્થીને  'ખતરનાક' અને 'ક્રાંતિકારી' ગણાવી એની હકાલપટ્ટીની પુષ્ટિ કરવામાં આવી.

આનો સીધો અર્થ હતો કે કોઈ નિશાળ - અને આસપાસ આમેય નિશાળો ઓછી હતી - ક્યારેય બ્લેકલિસ્ટ કરેલા ભગતસિંહ ઝુગ્ગીયાન ને તેમના દરવાજામાં પ્રવેશવા દેશે નહીં. તેના માતાપિતા ઉપરાંત ઘણાએ અધિકારીઓને તેમના નિર્ણયને પાછો ખેંચવાની વિનંતી કરી. એક ઊંચી પહોંચવાળા જમીનદાર ગુલામ મુસ્તફાએ તેમના વતી સખત પ્રયત્નો કર્યા. પરંતુ રાજના દરબારીઓ ગુસ્સે હતા. એક નાના છોકરડાએ તેમના મોટા અધિકારીઓને શરમાવ્યા હતા. ભગતસિંહ ઝુગ્ગીયાન તેમની જિંદગીના બાકીના અસાધારણ જોમભર્યાં અવિરત કારકિર્દીના  વર્ષો દરમ્યાન ક્યારેય ઔપચારિક શિક્ષણમાં પાછા ફર્યા નહીં.

પરંતુ તે હતા અને આજે  93 વર્ષની ઉંમરે પણ રહ્યા છે, અડચણોની શાળાના અવ્વલ દરજાના વિદ્યાર્થી.

હોશિયારપુર જિલ્લાના રામગર્હ ગામમાં તેમના ઘરે અમારી સાથે વાત કરતાં નિશાળના એ નાટકને યાદ કરી હશે છે. શું તેમને દુઃખ ના થયું? પૂછતાં તેઓ કહે છે, "મારી પ્રતિક્રિયા કંઈક આવી હતી -- હવે હું બ્રિટિશ વિરોધી સંઘર્ષમાં જોડાવા માટે સ્વતંત્ર છું."

Bhagat Singh Jhuggian and his wife Gurdev Kaur, with two friends in between them, stand in front of the school, since renovated, that threw him out in 1939
PHOTO • Courtesy: Bhagat Singh Jhuggian Family

ભગતસિંહ ઝુગ્ગીયાન તેમના મિત્રો સાથે નવીનીકરણ પછીની એ જ નિશાળની સામે જેમાંથી ૧૯૩૯માં એમની હકાલપટ્ટી કરવામાં આવેલી

તેઓ આમ કરવા માટે સ્વતંત્ર હતા તે વાત કોઈના ધ્યાન બહાર ગઈ નોહતી. જોકે શરૂઆતમાં તો તેમણે તેમના પરિવારના ખેતરમાં કામ કર્યું - પછીથી તેમની ખ્યાતિ ફેલાઈ ગઈ. પંજાબના ભોમભીતર ઉદ્દામ જૂથોએ તેમનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. તેઓ કિર્તી પાર્ટી તરીકે ઓળખાતા એક સાથે જોડાયા, જે 1914-15ના સમયમાં રાજ્યમાં બળવો કરનાર ગદર પાર્ટીનો જ એક ફાંટો છે.

કીર્તિ પાર્ટીમાં એવા ઘણા લોકો હતા જે લશ્કરી અને વૈચારિક તાલીમ માટે ક્રાંતિકારી રશિયામાં  ગયા હતા. પંજાબમાં જ્યાં ગદર આંદોલનને સંપૂર્ણ પણે કચડી નાખવામાં આવ્યું હતું ત્યાં પાછા ફર્યા પછી, તેઓએ કીર્તિ નામનું પ્રકાશન શરૂ કર્યું હતું. તેમાં ફાળો આપનારા સૌથી પ્રતિષ્ઠિત પત્રકારોમાં હતા પેલા સુપ્રસિદ્ધ ભગતસિંહ જેમણે  હકીકતમાં 27 મે, 1927 ના રોજ તેની ધરપકડ પહેલા ત્રણ મહિના સુધી જ્યારે તેના સંપાદક ના હતા ત્યારે કીર્તિનું સુકાન સાંભળ્યું હતું. મે 1942 માં, કીર્તિ પાર્ટી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં ભળી ગઈ.

અને ના, ઝુગ્ગીયાનનું  નામ મહાન ભગત સિંહના નામ પરથી રાખવામાં નોહ્તું આવ્યું  હતું છતાં, તેઓ કહે છે, "લોકો પાસે તેમના વિશેના ગીતો સાંભળીને હું મોટો થયો છું - ઘણા બધા હતાં." તે અમને એમનાં એકાદની થોડી પંક્તિઓ પણ ગઈ સંભળાવે છે, જે એ મહાન ક્રાંતિકારીના સમયના છે  જેને  1931 માં અંગ્રેજોએ ફાંસી આપી હતી અને જ્યારે આ નાનકડા ભગતસિંહ માત્ર ત્રણ વર્ષના હતા.

શાળામાંથી હકાલપટ્ટી થયા પછીના વર્ષોમાં, યુવાન ભગતસિંહ ઝુગ્ગીયાનને  ભોમભીતરના ક્રાંતિકારીઓ માટે આંગડીયાનું કામ કર્યું. તેમના પરિવારના પાંચ એકરમાં કામ કરવાની વચ્ચે, "તેઓએ મને જે કામ કરવાનું કહતાં તે હું કરતો ગયો." અને એ હજુ કિશોર વયના હતા જયારે તેમાંનું એક કામ કરવા  20 કિલોમીટરથી વધુ અંતર કાપતાં અંધકારમાં એક નાનો, તૂટી ગયેલો અને "ભયંકર ભારે" પ્રિન્ટિંગ પ્રેસ ભરેલા બે કોથળીઓ  લઈને ચાલતાં એ ક્રાંતિકારીઓની ગુપ્ત છાવણીમાં લઇ ગયેલા. ખરા અર્થમાં સ્વતંત્રતાના પગ-સૈનિક.

"એ તરફથી પણ મને એ લોકોએ એક ખાવાનો અને બીજો સમાન ભરેલો એવો જ ભારે કોથળો એટલા જ અંતરે અમારા જૂથના બિરાદરોને પહોંચાડવા  માટે આપ્યો." તેમનો  પરિવાર પણ  ભોમભીતરના લડવૈયાઓને ખોરાક અને આશ્રય પણ આપતાં.


Prof. Jagmohan Singh (left), nephew of the great revolutionary Shaheed Bhagat Singh, with Jhuggian at his home in Ramgarh
PHOTO • P. Sainath

પ્રો.જગમોહન સિંહ (ડાબે), મહાન ક્રાંતિકારી શહીદ ભગતસિંહના ભત્રીજા  ભગતસિંહ ઝુગ્ગીયાન સાથે રામગર્હમાં એમના નિવાસસ્થાને

તેમણે જે મશીન એ પહોંચાડવા ગયા હતા તેને 'ઉડારા પ્રેસ' કહેતા (જેનો શબ્દશઃ અર્થ  ફ્લાઇંગ પ્રેસ એટલે કે ઉડતું છાપખાનું થાય છે પણ કહેવા પોર્ટેબલ કે સરળતાથી પરિવહન થઇ શકે એવો એમ થાય છે).  તે સ્પષ્ટ નથી કે શું તે છૂટું  પાડેલું  પ્રેસ હતું, અથવા કોઈ એકના અગત્યના ભાગો હતા, અથવા સાયક્લોસ્ટાઇલિંગ મશીન હતું. તે માત્ર યાદ કરે છે "તેમાં મોટા અને ભારે કાસ્ટ આયર્ન ભાગો હતા." તે તેમના કુરિયર યુગમાંથી સાવ સહીસલામત રીતે પસાર થઇ ગયા, ખતરા તેમ જ જોખમને ક્યારેય અવગણ્યા વગર -- અને વર્ષો પછી એવા ગર્વ સાથે કે, "હું પોલીસથી ડરું એ કરતાં વધારે તો પોલીસ મારાથી ડરતી."

*****

અને પછી પડ્યા દેશના ભાગલા.

આ સમયગાળાની વાત કરતાં ભગતસિંહ ઝુગ્ગીયાન અત્યંત ભાવુક થઈ જાય છે. તે સમયના વિનાશ અને સામૂહિક કત્લેઆમની વાત કરતાં વૃદ્ધ સજ્જન પોતાના આંસુ ખાળવાનો પ્રયત્ન કરે છે. “સરહદ પાર કરવા નીકળેલા અગણિત હજારો લોકોના કાફલા પર વારંવાર હુમલો કરવામાં આવતો હતો, લોકોની હત્યા કરવામાં આવતી. અહીં, અહિયાં પણ હત્યાકાંડ થયા હતા.

"માત્ર ચાર કિલોમીટર દૂર સિમ્બલી ગામમાં," એમ શાળાના શિક્ષક, લેખક અને સ્થાનિક ઇતિહાસકાર અજમેર સિધ્ધુ કહે છે, જે ભગતસિંહ ઝુગ્ગીયાન નો ઇન્ટરવ્યૂ કરીએ છીએ ત્યારે અમારી સાથે છે. "આશરે 250 લોકોને, જે તમામ મુસ્લિમ હતા, બે રાત અને એક દિવસમાં રહેંસી નાખવામાં આવ્યા હતા." તેમ છતાં, તેઓ કહે છે, "આમાંના માત્ર 101ના મોતની નોંધ શંકર પોલીસ સ્ટેશનના થાનદારે કરેલી."

ભગતસિંહ કહે છે, "ઓગસ્ટ 1947 માં અહીં બે સમૂહ હતા. એક સમૂહ મુસ્લિમોની હત્યા કરનારો, ને બીજો હુમલો કરનારાઓથી તેમને બચાવવાનો પ્રયાસ કરવાવાળો."

"મારા ખેતરની લગોલગ એક યુવાનની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અમે તેના ભાઈને તેના અંતિમ સંસ્કારમાં મદદ કરવા તૈયારી હતા, પરંતુ તે ગભરાઈ ગયો અને કાફલા સાથે આગળ વધ્યો. અમે મૃતદેહને અમારા ખેતરમાં જ  દફનાવી દીધો. અહીં 15મી ઓગસ્ટ જરાય સારી નોહતી, ”તે ઉમેરે છે.

Bhagat Singh with his wife Gurdev Kaur and eldest son 
Jasveer Singh in 1965.
PHOTO • Courtesy: Bhagat Singh Jhuggian Family
Bhagat Singh in the late 1970s.
PHOTO • Courtesy: Bhagat Singh Jhuggian Family

૧૯૬૫માં એમની પત્ની ગુરુદેવ કૌર અને પુત્ર જસવીર સિંહ સાથે ભગત સિંહ. જેમણે: ૧૯૭૦ના પાછલા દાયકાની એમની તસ્વીર

સરહદ પાર કરવામાં સફળ થયેલા લોકોમાં ગુલામ મુસ્તફા પણ હતા, એ જ મોટા જમીનદાર જેમણે એકસમયે  ભગતસિંહ ઝુગ્ગીયાનને શાળામાં પાછા દાખલ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ભગત સિંહ કહે છે, "જોકે, મુસ્તફાનો પુત્ર અબ્દુલ રહેમાન થોડો વધુ સમય રહ્યો હતો અને ગંભીર સંકટમાં હતો. મારો પરિવાર રહેમાનને છાનામાના એક રાત્રે અમારા ઘેર લઇ આવ્યો. તેની સાથે એક ઘોડો હતો.”

પરંતુ મુસ્લિમોનો શિકાર કરી રહેલા ટોળાને આની બાતમી મળી ગઈ.  "તેથી એક રાતે અમે તેને ચોરીછૂપી વિદાય કર્યો, અને મિત્રો અને જૂથના બિરાદરોની મદદથી   એ જીવતો સરહદ પાર કરવામાં સફળ રહ્યો." પાછળથી, તેઓએ ઘોડાને પણ તેમની પાસે સરહદ પાર મોકલાવ્યો. મુસ્તફાએ ગામના મિત્રોને લખેલા પત્રોમાં, ઝુગ્ગીયાનનો  આભાર માન્યો અને એક દિવસ ભારતમાં તેમની મુલાકાત લેવાનું વચન આપ્યું. "પણ તે ક્યારેય પાછો નહીં આવ્યો."

ભાગલાની વાત યાદ કરવાથી ભગતસિંહ ઉદાસ અને અસ્વસ્થ થઇ જાય છે. થોડી વાર માટે એ મૌન થઇ જાય છે, બીજું કંઈ બોલી શકતા નથી. એક વાર જયારે બિરમપુર ગામમાં પોલીસે સ્વતંત્રતા સંગ્રામ પર યોજાયેલી એક પરિષદ પર હુમલો કરી વિખેરી ત્યારે 17 દિવસ માટે તેમને જેલમાં પૂરવામાં આવેલા.

1948 માં, તેઓ લાલ (લાલ) કોમ્યુનિસ્ટ પાર્ટી હિન્દ યુનિયનમાં જોડાયા, જે પહેલાંની કીર્તિ પાર્ટીમાંથી અલગ થયેલ અને CPI માં ભળી ગયેલું જૂથ હતું.

પરંતું આ 1948 થી 1951 ની વચ્ચેનો એ સમય હતો જયારે તેલંગાણા તેમજ અન્યત્ર થઇ રહેલા બળવોને પગલે તમામ સામ્યવાદી જૂથો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભગતસિંહ ઝુગ્ગીયાન એ સમયે દિવસે ખેડૂતની ભૂમિકા નિભાવતા અને  રાત્રે ગુપ્ત આંગડીયાની. અને પકડાઈ જવાના ભય સમયે ઝઝૂમતાં આ ઉપરાંત બીજી કંઈ કેટલીય ભોમભીતર પ્રવૃતિઓ કરતાં. તેમણે પોતે તેમના જીવનના આ તબક્કામાં એક વર્ષ ભોમભીતર વિતાવ્યું હતું.

આગળ જતાં, 1952 માં, લાલ પાર્ટી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં ભળી ગઈ. જ્યારે 1964 માં CPI વિભાજિત થયું, ત્યારે તેમણે પોતાનો હિસ્સો નવા રચાયેલા CPI-Mને આપ્યો, જેની સાથે તે હંમેશા રહેશે.

Jhuggian (seated, centre) with CPI-M leader (late) Harkishan Singh Surjeet (seated, right) at the height of the militancy in Punjab 1992
PHOTO • Courtesy: Bhagat Singh Jhuggian Family

1992 માં પંજાબમાં આતંકવાદની ચરમસીમા સમયે CPI-M નેતા (દિવંગત) હરકિશન સિંહ સુરજીત સાથે

તે સમયગાળા દરમિયાન તેમણે જમીન અને ખેડૂતોને અસર કરતા અન્ય સંઘર્ષોમાં ભાગ લીધો હતો. 1959 માં ખુશ હસીયાતી કર મોરચા (એન્ટી-બેટરમેન્ટ ટેક્સ  સંઘર્ષ) દરમિયાન ભગત સિંહની ધરપકડ કરવામાં આવી. તેમનો ગુનો: કાંડી વિસ્તાર (હવે પંજાબની પૂર્વોત્તર સરહદમાં) ના ખેડૂતોને એકઠા કરવા. પ્રતાપસિંહ કૈરોનની અત્યંત ગુસ્સે ભરાયેલી  સરકારે સજા સ્વરૂપે તેમની ભેંસ અને ઘાસચારો કાપવાના  મશીનો  જપ્ત કર્યાં  અને તેમની હરાજી કરી. પરંતુ બંનેને ગામના એક સાથીએ  11 રૂપિયામાં ખરીદ્યા બાદ તેમના પરિવારને પરત કરી દીધા.

આ આંદોલન દરમિયાન ભગતસિંહે ત્રણ મહિના લુધિયાણા જેલમાં પણ રહ્યા. અને ફરી એકવાર, એ જ વર્ષના અંતમાં ત્રણ મહિના માટે પટિયાલા જેલમાં.

જે ગામમાં તે આખી જીંદગી જીવ્યા છે એ શરૂઆતમાં ઝુગ્ગીઓનો (ઝૂપડાંઓ)એક સમૂહ હતો અને તેથી ઝુગ્ગીયાન. એટલે એમનું નામ પડ્યું ભગતસિંહ ઝુગ્ગીયાન. તે હવે ગર્હશંકર તહસીલના રામગર્હ ગામનો ભાગ છે.

1975 માં ઇમર્જન્સીના સામે સંઘર્ષ કરતાં તે ફરીથી એક વર્ષ માટે ભોમભીતર ગયા.   લોકોનેસંગઠિત કર્યાં, જરૂર પડે આંગડિયાની સેવા બજાવી, અને ઇમર્જન્સી વિરુદ્ધ  સાહિત્યનું વિતરણ કર્યું.

આ બધા વર્ષો દરમિયાન, તેઓ પોતાના ગામ અને પ્રદેશમાં સ્થાયી રહ્યા. જે વ્યક્તિએ ક્યારેય ત્રીજા ધોરણથી આગળ ભણ્યો નોહ્તો એણે શિક્ષણ અને રોજગાર સાથે સંઘર્ષ કરતા તેની આસપાસના યુવાનોમાં ઊંડો રસ લીધો. તેમણે મદદ કરેલા ઘણા લોકો સારી પ્રગતિ કરતા થશે, કેટલાક તો સરકારી સેવામાં પણ આવ્યાં.

*****

1990: ભગતસિંહનો પરિવાર જાણતો હતો કે તેમની, તેમના ટ્યુબવેલ અને આતંકની વચ્ચે થોડીક ક્ષણો માત્ર હતી. ભારે સશસ્ત્ર ખાલિસ્તાની હિટ ટુકડી તેમના ખેતરોમાં રોકાઈ હતી, તેમના ઘરથી 400 મીટરના અંતરે આવેલા ટ્યુબવેલ પર લખેલા તેમના નામ પરથી તેમના લક્ષ્યની ખાતરી કરતી. ત્યાં તેઓ સંતાઈને હુમલાની તૈયારીમાં બેઠા હતાં  - પરંતુ તેમને જોઈ લેવામાં આવેલા.

1984 થી 1993 સુધી પંજાબ આતંકથી ત્રાહિમામ પોકારી ગયુ હતું. સેંકડો લોકોને ઠાર મારવામાં આવેલા, ખૂન કરવામાં આવેલા અથવા કોઈ રીતે મોતને ઘાટ ઉતારાયેલા. તેમની વચ્ચે હતા મોટી સંખ્યામાં  CPI, CPI-M અને CPI-ML પાર્ટીના  કાર્યકરો,  ખાલિસ્તાનીઓ સામે પ્રબળ પ્રતિકાર આપતી. આ સમયગાળામાં ભગતસિંહ હંમેશા નિશાના પર રહ્યા હતા.

Bhagat Singh Jhuggian at the tubewell where the Khalistanis laid an ambush for him 31 years ago
PHOTO • Vishav Bharti

ભગતસિંહ ઝુગ્ગીયાન ટ્યુબવેલ પર ઊભા છે જ્યાં ખાલિસ્તાનીઓએ 31 વર્ષ પહેલા તેમના પર હુમલો કરવા માટે જાળ બિછાવી હતી

જો કે 1990 માં એમને ખરેખર સમજાયું કે કોઈના નિશાના પર હોવાનો અર્થ શું છે. પોલીસે તેમને આપેલી બંદૂકો સાથે તેમના ત્રણ યુવાન પુત્રો છત પર હતા. આ એ સમય હતો જ્યારે સરકારે મૃત્યુની ધમકી હેઠળ જીવતા લોકોને સ્વ-બચાવ માટે શસ્ત્રો રાખવાની મંજૂરી આપી હતી.

ભગતસિંહ એ સમયને યાદ કરતાં કહે છે, "તેમણે  અમને જે આપી તે બંદૂકો ખૂબ સારી નહોતી. તેથી મેં 12 બોરની શોટગન ઉધાર લીધી અને પછીથી પોતે સેકન્ડ હેન્ડ પણ ખરીદી.

50 વર્ષનો તેમનો પુત્ર પરમજીત કહે છે, "એકવાર, મેં આતંકવાદીઓ તરફથી મારા પિતાને મળેલો ધમકી પત્ર ખોલીને વાંચ્યો: 'તમારી પ્રવૃત્તિઓ બંધ કરો નહીં તો તમારા આખા પરિવારને ખતમ કરી નાખવામાં આવશે'. મેં તેને કવરમાં પાછો મૂક્યો અને કોઈએ તેને જોયો નથી એવો ડોળ કર્યો. મને નવાઈ હતી કે મારા પિતા કેવી પ્રતિક્રિયા આપશે. તેમણે શાંતિથી પત્ર વાંચ્યો, તેને વાળીને ખિસ્સામાં મૂક્યો. થોડી ક્ષણો પછી, તે અમને ત્રણેયને છત પર લઈ ગયા અને અમને સાવધ રહેવા કહ્યું. પરંતુ પત્ર વિશે એક પણ શબ્દ બોલ્યા નહીં.

"1990નું સ્ટેન્ડ-ઓફ હાડકાં થીજાવી દે એવું હતું. આ બહાદૂર પરિવાર છેલ્લે સુધી લડશે એ વાતમાં કોઈ શંકા નોહતી. પરંતુ તેમાં એવી પણ કોઈ શંકા નોહતી  કે તેઓ એકે -47 અને અન્ય ઘાતક હથિયારોથી સજ્જ પ્રશિક્ષિત હિટ સ્કવોડની ફાયરપાવરથી દિગ્મૂઢ જરૂર થઇ જશે.

તે સમયે એક ઉગ્રવાદીઓએ ટ્યુબવેલ પરના નામને ઓળખ્યું. વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાની કહે છે, "તે બીજાઓ તરફ વળ્યો અને કહ્યું, 'જો આ  ભગતસિંહ ઝુગ્ગીયાન  આપણું  નિશાન છે , તો મને આ સાથે કોઈ લેવાદેવા નથી'. હિટ ટીમે તેને રદ કરવાનો નિર્ણય કર્યો અને મેદાનમાંથી પીછેહઠ કરી અને ગાયબ થઈ ગયા.

થયું હતું એવું કે આતંકવાદીનો નાનો ભાઈ તે યુવાનોમાંનો એક હતો જેમને ભગતસિંહે ગામમાં મદદ કરી હતી. જે હકીકતમાં પટવારી તરીકે (ગામના રેકોર્ડના રક્ષક) સરકારી નોકરી મેળવવા ગયા હતા - . ભગતસિંહ હસતા હસતા કહે છે, "તેઓ પાછા હટ્યા પછી બે વર્ષ સુધી, તે મોટો ભાઈ મને ટિપ-ઓફ અને ચેતવણી મોકલતો હતો. ક્યારે અને ક્યાં ન જવું ... ”  જેમણે તેમને તેમના જીવન પરના વધુ ઘાતક હુમલાઓના પ્રયત્નોથી બચવામાં મદદ કરી.

Bhagat Singh with his wife Gurdev Kaur at their home in Ramgarh. Right: He has sold off his 12-bore gun as, he says, now even ‘a child could snatch it from my hands’
PHOTO • Vishav Bharti
Bhagat Singh with his wife Gurdev Kaur at their home in Ramgarh. Right: He has sold off his 12-bore gun as, he says, now even ‘a child could snatch it from my hands’
PHOTO • P. Sainath

ભગત સિંહ તેમની પત્ની ગુરદેવ કૌર સાથે રામગર્હમાં તેમના ઘેર. જમણે : તેમણે પોતાની 12-બોરની બંદૂક વેચી દીધી છે જેમ તે કહે છે, 'એક બાળક પણ તેને મારા હાથમાંથી છીનવી શકે છે'

પરિવાર જે રીતે એ બનાવ વિશે વાત કરે છે તે આપણને અશાંત કરે છે. ભગતસિંહના  વિશ્લેષણમાં વાસ્તવિકતા  છે. ભાગલાની વાત કરતી વખતે તે વધારે ભાવુક થાય છે. તેમની પત્નીનું શું, તે સમયે તેઓ  હચમચી નોહતા ગયા? 78 વર્ષીય ગુરદેવ કૌર કહે છે, "મને વિશ્વાસ હતો કે અમે હુમલાનો સામનો કરી શકીશું." ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનની એક પીઢ  કાર્યકર્તા કહે છે: "મારા પુત્રો મજબૂત હતા, મને કોઈ ડર નહોતો - અને ગામે અમને ટેકો આપ્યો."

ગુરદેવ કૌરે 1961 માં ભગતસિંહ સાથે લગ્ન કર્યા - આ તેમના બીજા લગ્ન હતા. 1944 માં તેમના લગ્નના થોડા વર્ષો બાદ તેમની પ્રથમ પત્નીનું અવસાન થયેલું અને તેમની બે પુત્રીઓ વિદેશમાં સ્થાયી થયેલી છે. ગુરદેવ કૌર અને તેમના લગ્નથી તેમને ત્રણ પુત્રો હતા, પરંતુ સૌથી મોટા જસવીર સિંહનું 2011 માં 47 વર્ષની વયે અવસાન થયું હતું. અન્ય બે યુવકો 55 વર્ષીય કુલદીપ સિંહ હવે યુનાઇટેડ કિંગડમમાં છે અને પરમજીત, જે તેમની સાથે રહે છે.

તેમની પાસે હજુ પણ 12-બોરની બંદૂક છે? “ના, મેં તેનાથી છુટકારો મેળવ્યો. હવે તેનો શું ઉપયોગ -એક બાળક પણ તેને મારા હાથમાંથી છીનવી શકે છે,” 93 વર્ષીય હસે છે.

1992 ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીએ ભયને ફરી તેમના દરવાજે લાવી મૂક્યો. કેન્દ્ર સરકાર પંજાબમાં ચૂંટણી યોજવા મક્કમ હતી. ખાલિસ્તાનીઓ, મતદાનને સ્થગિત કરવા માટે, ઉમેદવારોને મારી નાખવાનું શરૂ કર્યું. ભારતીય ચૂંટણી કાયદા હેઠળ, પ્રચાર દરમિયાન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થાય તો તે મતવિસ્તારમાં ચૂંટણી કાં સ્થગિત કરવામાં આવે કાં રદ કરવામાં આવે છે. દરેક ઉમેદવારને હવે ગંભીર જોખમ હતું.

અને ખરેખર, અભૂતપૂર્વ સ્તરની હિંસાએ જૂન 1991 માં આ જ મતદાનને સ્થગિત કરી દીધું હતું. એ વર્ષે માર્ચ અને જૂન વચ્ચે, એશિયન સર્વે જર્નલમાં ગુરહરપાલ સિંહના પેપરમાં નોંધ્યા મુજબ, “રાજ્યના અને સંસદના મળીને 24 ઉમેદવારો માર્યા ગયા હતા; બે ટ્રેનમાં 76 મુસાફરોની હત્યા કરવામાં આવી હતી; અને મતદાનના એક સપ્તાહ પહેલા પંજાબને અશાંત વિસ્તાર જાહેર કરાયો હતો.”

Bhagat Singh, accompanied by a contingent of security men, campaigning in the Punjab Assembly poll campaign of 1992, which he contested from Garhshankar constituency
PHOTO • Courtesy: Bhagat Singh Jhuggian Family

ભગત સિંહ, સુરક્ષાકર્મીઓની  ટુકડી સાથે, 1992 ના પંજાબ વિધાનસભા ચૂંટણી અભિયાનમાં પ્રચાર કરતા હતા, જે તેઓ  1992 માં ગર્હશંકર મતવિસ્તારમાંથી લડ્યા હતા

એટલે ઉગ્રવાદીઓનો ઉદ્દેશ સ્પષ્ટ હતો. પૂરતા ઉમેદવારોને મારી નાખો. સરકારે જે ઉમેદવારોને અપ્રતિમ સ્તરની સુરક્ષા આપીને જવાબ આપ્યો તેમાં ગર્હશંકર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા ભગતસિંહ ઝુગ્ગીયાન પણ હતા. અકાલી દળના બધાએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. " દરેક ઉમેદવારને 32 વ્યક્તિની સુરક્ષા ટુકડી આપવામાં આવી હતી, અને વધુ અગ્રણી નેતાઓ માટે આ આંકડો 50 કે તેથી વધુ હતો." અલબત્ત, આ બધું મતદાનના સમયગાળા માટે જ હતું.

ભગતસિંહની 32 ની ટુકડીનું શું? તે કહે છે, "અહીં મારી પાર્ટી ઓફિસમાં 18 સિક્યુરિટી ગાર્ડ હતા. બીજા 12 હંમેશા મારી સાથે હતા અને હું જ્યાં પણ પ્રચારમાં જતો ત્યાં જતા. અને બે હંમેશા મારા પરિવાર સાથે ઘેર હતા." ચૂંટણી પહેલાથી જ આતંકવાદીઓના નિશાના પર રહી ચૂકેલા એમને માટે જોખમ વધારે હતું. પરંતુ એ હેમખેમ પર ઉતાર્યા હિટ પર હતા ચૂંટણી પહેલા વર્ષો સુધીની યાદી, તેના જોખમો વધારે હતા. લશ્કર, અર્ધ લશ્કરી દળો, તેમજ પોલીસના લોકોએ મળીને એક મોટું સુરક્ષા માળખું ઉભું કરીને ઉગ્રવાદીઓને હરાવ્યા -- ચૂંટણી કોઈ જાનહાની વગર સમાપ્ત થઇ.

પરમજીત કહે છે, "તેમણે 1992 ની ચૂંટણી લડી હતી, "ત્યારે એ એમ માનતા હતા કે પોતાના જેવા એક અગ્ર લક્ષસ્થાને મૂકીને, એમની પોતાની દિશામાં ખાલિસ્તાનીઓનું ધ્યાન કેન્દ્રિત કરીને તેઓ પોતાના નાના સાથીઓને બચાવશે."

ભગતસિંહ કોંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા. પરંતુ તે બીજી ઘણીમાં હતા જેમાં તેઓ જીતેલા. 1957 માં તેઓ બે ગામ રામગર્હ અને ચાક ગુજરનના સરપંચ તરીકે ચૂંટાયા. તેઓ ચાર વખત સરપંચ બનવાના હતા, તેમનો છેલ્લો કાર્યકાળ 1998 માં હતો.

તેઓ 1978 માં નવાશહર (હવે શહીદ ભગતસિંહ નગર) માં સહકારી ખાંડ મિલના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. તે અકાલી દળ સાથે જોડાયેલા શક્તિશાળી જમીનદાર સંસાર સિંહને હરાવીને. 1998 માં, તેઓ સર્વાનુમતે - આ પદ માટે ફરીથી ચૂંટાયા

*****

After being expelled from school in Class 3, Bhagat Singh Jhuggian never returned to formal education, but went to be a star pupil in the school of hard knocks (Illustration: Antara Raman)

નિશાળમાંથી ત્રીજા ધોરણમાં એમની હકાલપટ્ટી થઈ ત્યારબાદ ભગતસિંહ ઝુગ્ગિયાન ઔપચારિક શિક્ષણ તરફ ક્યારેય પાછા વળ્યા નહીં, પણ એને બદલે જીવનની અડચણોની નિશાળના અગ્રણી વિદ્યાર્થી સિતારા થઈને રહ્યા (ચિત્રાંકન: અંતરા રામન)

તેમને ધીબી નાખવામાં આવ્યો હતો અને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા ત્યારથી શરુ કરીને એ આઠ દાયકા દરમિયાન ભગતસિંહ ઝુગ્ગીયાન રાજકીય રીતે જાગૃત, સજાગ અને સક્રિય રહ્યા છે. હાલ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં જે ચાલી રહ્યું છે તે બધું તેઓ જાણવા માગે છે. તેઓ તેમના પક્ષના રાજ્ય નિયંત્રણ આયોગના સભ્ય છે. અને જલંધરમાં દેશ ભગત યાદગાર હોલ (ડીબીવાયએચ) ચલાવતી સંસ્થાના ટ્રસ્ટી પણ છે . ડીબીવાયએચ એ અન્ય કોઈપણ સંસ્થા કરતાં પંજાબની ક્રાંતિકારી ચળવળોની વધુ વ્યવસ્થિત નોંધણી અને  દસ્તાવેજીકરણ કરે છે અને સ્મારક રચે  છે. આ ટ્રસ્ટની સ્થાપના ગદર આંદોલનના ક્રાંતિકારીઓએ કરી હતી.

તેમના મિત્ર દર્શન સિંહ મટ્ટુ કહે છે, "આજે પણ જ્યારે આ વિસ્તારમાંથી ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે, કદાચ દિલ્હીની સરહદો પરના વિરોધ કેમ્પમાં જોડાવા, જાથાઓ (આંદોલનકારીઓનો સંગઠિત કાફલો) નીકળે છે ત્યારે તેઓ સૌ પ્રથમ ભગતસિંહને ઘેર  તેમના આશીર્વાદ લેવા જાય છે." સીપીઆઈ-એમની પંજાબ રાજ્ય સમિતિના સભ્ય મટ્ટુ નોંધે છે કે “અગાઉની સરખામણીમાં તેમની શારીરિક મર્યાદાઓ  છે. પરંતુ તેમની પ્રતિબદ્ધતા અને ઉત્કટતા હંમેશની જેમ મજબૂત છે. શાહજહાંપુર ખાતે પડાવ નાખીને બેઠેલા આંદોલનકારી ખેડૂતો માટે રામગર્હ અને ગર્હશંકરમાં ચોખા, તેલ, દાળ, બીજી ચીજવસ્તુઓ અને નાણાં એકત્રિત કરવાના પ્રયત્નોમાં અત્યારે પણ  તેઓ સામેલ છે, તેમાં તેમના પોતાના અંગત યોગદાનનો પણ સમાવેશ છે.

અમે જવા માટે નીકળીએ છીએ ત્યારે તે અમને વળાવવા આવવાનો આગ્રહ રાખે છે, તેઓ પોતાના વોકર સાથે ખૂબ ઝડપથી આગળ વધે છે.  ભગતસિંહ ઝુગ્ગીયાન અમને જણાવવા માગે છે કે જે દેશની આઝાદી માટે તેઓ લડ્યા હતા એ દેશને આ સ્થિતિમાં જોવાનું તેમને ગમતું નથી. તેઓ વકહે છે, "દેશ ચલાવતા લોકોમાંથી કોઈની ય પાસે આઝાદીની લડતનો કોઈ વારસો નથી. તેઓ જે રાજકીય દળોનું પ્રતિનિધિત્વ કરે છે - તેઓ સ્વતંત્રતા અને આઝાદીની લડતમાં ક્યારેય નહોતા. તેમાંના  એક પણ નહીં." તેઓ ચિંતિત થઈને કહે છે, "જો તેમના પર દાબ રાખવામાં  નહીં આવે તો તેઓ આ દેશનું સત્યાનાશ  કરશે.”

અને પછી ઉમેરે છે: "પણ મારું માનો, આ રાજનો સૂર્ય પણ અસ્ત થશે."

લેખકની નોંધ: અમૂલ્ય માહિતી પૂરી પાડવા બદલ અને મદદ કરવા બદલ  ધ ટ્રિબ્યુન, ચંદીગઢના વિશ્વભારતી અને મહાન ક્રાંતિકારી શહીદ ભગતસિંહના ભત્રીજા પ્રો.જગમોહન સિંહનો હૃદયપૂર્વક આભાર. અજમેર સિદ્ધુએ કરેલી મદદ અને તેમણે પૂરી પાડેલી માહિતી  બદલ તેમનો પણ આભાર.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya