હું જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગાચ ગામના  રબારી પરિવારમાંથી આવું છું. લખવું મારા માટે નવું છે, જે મેં કોરોના સમય દરમિયાન શરૂ કર્યું હતું. હું પશુપાલન સમુદાયો સાથે કામ કરતી બિન-સરકારી સંસ્થા સાથે સમુદાયમાં જાગૃતિ લાવવાનું  કામ કરું છું. હું એક એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ગુજરાતીના મુખ્ય વિષય સાથે વિનયનમાં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ કરી રહી છું. છેલ્લા 9 મહિનાથી મારા સમુદાયના લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને રસ વધારવા માટે હું પ્રવૃત છું. મારા સમુદાયમાં મહિલાઓમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે નીચું છે. તમને અહીં બહુ ઓછી શિક્ષિત મહિલાઓ જોવા મળશે.

મૂળરૂપે, અમે ચારણ, ભરવાડ, આહિરો જેવા અન્ય સમુદાયોની જેમ ઘેટાંના સંવર્ધનમાં રોકાયેલા પશુપાલકોના સમુદાયના હતા. અમારામાંથી ઘણાએ હવે અમારો પરંપરાગત વ્યવસાય છોડી દીધો છે અને મોટી કંપનીઓમાં અથવા ખેતરોમાં રોજીરોટી મજૂર તરીકે કામ સ્વીકાર્યું છે. મહિલાઓ પણ છે, જે ફેક્ટરીઓ અને ખેતરોમાં મજૂરી તરીકે કામ કરે છે. સમાજ આ મહિલાઓ અને તેમના કામને સ્વીકારે છે, પરંતુ મારા જેવા એકલા કામ કરનારાઓને સામાજિક મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડે છે.

એક યુગલ વચ્ચેનો કલ્પિત સંવાદ આ કવિતાની પૃષ્ઠભૂમિમાં પડઘાય છે

ભરત : સાંભળ તારી નોકરી અને કરિયર તો ઠીક છે પણ મારા માતાપિતા ની સેવામાં કંઈ ઓછું ના આવવું જોઈએ. તું નથી જાણતી કે તેઓએ કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરીને મને મોટો કર્યો છે, ભણાવ્યો-ગણાવ્યો છે.

જસ્મિતા : હા, કેમ ખબર હોય? મારા માતાપિતા તો મને રેડિમેટ ઉપાડીને લાવ્યા હતા.

ભરત : અરે પણ તું આટલા બધા મેંણા શું બોલે છે .હું છું ને હું કમાઈશ તું ઘર કામ કરજે અને મજા કરજે બીજું શું જોઇએ તારે?

જસ્મિતા : અરે ના..ના મારે શું જોઇએ? હું તો વસ્તુ છું. મારી થોડી કોઈ ઈચ્છા હોઈ શકે. હું ઘરે કામ કરીશ ને મજા કરીશ. દર મહિને હાથ લાંબો કરીશ તમારી સામે, પછી તમારો ગુસ્સો સહન કરીશ. .કેમ કે તમે કમાવ છો ને હું ઘરે બેઠી છું એટલે.

ભરત : સ્ત્રી તો ઘરની આબરૂ કહેવાય એને બહાર ના મૂકાય, ગાંડી!

જસ્મિતા : અરે હા હા સાચી વાત બહાર જતી સ્ત્રીને તમે આબરૂ વગરની ગણો છો એ તો હું ભૂલી જ ગઈ.

આ વાસ્તવિકતા છે સ્ત્રીની ફરજો બધા ગણાવે છે. શું કરવાનું એ જ કહેવામાં આવે છે, પણ કોઈ પૂછતું નથી…

સાંભળો જીજ્ઞા રબારીના મુખે એમના કાવ્યનું પઠન

કવિતાના અંગ્રેજી અનુવાદનું પઠન પ્રતિષ્ઠા પંડ્યાના અવાજમાં

અધિકારો

મારાં અધિકારોની યાદી,
ક્યાંક ખોવાઈ ગઈ છે.

મારી ફરજો તો દરરોજ નજર સામે ફરે છે,
અટવાયેલા મારાં અધિકારોને નીરખી લિયો.

ફરજ તો હું બહુ નિષ્ઠાથી નિભાવું છું,
અધિકાર સુધી પણ મને પહોંચવા દિયો.

મારે આ કરવાનું આમ કરવાનું,
મારે શુ કરવું છે એ પણ કયારેક પૂછી લિયો.

હું આમ ન કરી શકું હું તેમ ન કરી શકું,
તારાથી બધું થાય આવુ પણ કયારેક કહી દિયો.

અપાર સહનશકતી છે બધું જ઼ સમજી શકું છું,
મારાં સપનાંઓને પણ કયારેક ઝીલી લિયો.

ઘરની ચાર દીવાલને તો હું તમારા થી વધુ જાણું છું,
કયારેક આકાશ તરફ પણ મને ઉડવા દિયો.

ગુંચવાઈને બહુ રહી સ્ત્રી જાતિ,
હવે ખૂલીને શ્વાસ તો લેવા દિયો.

આઝાદી એટલે કપડાં અને હરવું ફરવું નહિ,
ધારેલા ધ્યેય વિશે પણ કયારેક પૂછી લિયો.

Poem and Text : Jigna Rabari

Jigna Rabari is a community worker associated with Sahajeevan, and working in Dwarka and Jamnagar districts of Gujarat. She is among the few educated women in her community who are active in the field and writing about their experiences

Other stories by Jigna Rabari
Paintings : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi