“એસ.ડી.એમ. [પેટા વિભાગીય મૅજિસ્ટ્રેટ] જૂનમાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું, ‘આ લો, જગ્યા ખાલી કરવા માટેની નોટિસ’.”
બાબુલાલ આદિવાસી તેમના ગામ ગાદરાના પ્રવેશદ્વાર પર જ્યાં સમુદાયની બેઠકો યોજાય છે તે વડના મોટા ઝાડ તરફ ઈશારો કરે છે. આ એ જ જગ્યા છે જ્યાં આ લોકોનું ભવિષ્ય એક જ દિવસમાં બદલાઈ ગયું છે.
મધ્યપ્રદેશમાં પન્ના વાઘ પ્રકલ્પ (પી.ટી.આર.) અને તેની આસપાસના 22 ગામોના હજારો રહેવાસીઓને બંધ અને નદી જોડવાના પ્રોજેક્ટ માટે તેમનાં ઘર અને જમીન છોડવા માટે કહેવામાં આવ્યું છે. 2017માં અંતિમ પર્યાવરણીય મંજૂરીઓ મળી હતી અને ત્યારથી આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં વૃક્ષો કાપવાની કવાયત હાથ ધરાઈ છે. પરંતુ હવે તેમને તાત્કાલિક આ જગ્યા ખાલી કરાવવાની ધમકીઓએ વેગ પકડ્યો છે.
બે દાયકા કરતાં વધુ સમયથી સરકારી ચોપડે પડેલા આ પ્રોજેક્ટમાં રૂ. 44, 605 કરોડના ખર્ચે ( પ્રથમ તબક્કામાં ) કેન અને બેતવા નદીઓને 218 કિલોમીટર લાંબી નહેર સાથે જોડવાની યોજના છે.
આ પ્રોજેક્ટની ભારે ટીકા થઈ છે. 35 વર્ષથી જળ ક્ષેત્ર સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક હિમાંશુ ઠક્કર કહે છે, “આ પ્રોજેક્ટ માટે કોઈ વાજબી કારણ નથી, જળશાસ્ત્રીય દૃષ્ટિકોણથી પણ તેને વાજબી ઠેરવી શકાય તેમ નથી. પહેલું તો એ કે કેન નદી પાસે વધારાનું પાણી નથી. આમાં કોઈ વિશ્વસનીય મૂલ્યાંકન કે નિષ્પક્ષ અભ્યાસ કરવામાં નથી આવ્યો, બધું પૂર્વ નિર્ધારિત તારણોના આધારે ચાલે છે.”
ઠક્કર સાઉથ એશિયા નેટવર્ક ઑન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ (એસ.એ.એન.ડી.આર.પી.)ના સંયોજક છે. તેઓ 2004ની આસપાસ જળ સંસાધન મંત્રાલય (હવે જલ શક્તિ) દ્વારા નદીઓને એકબીજા સાથે જોડવા માટે રચવામાં આવેલી નિષ્ણાત સમિતિના સભ્ય હતા. તેઓ કહે છે કે આ પ્રોજેક્ટનો આધાર જ આઘાતજનક છેઃ “નદીઓને જોડવાથી માઠી પર્યાવરણીય અસરો જોવા મળશે અને પરિણામે જંગલ, નદી, અને જૈવવિવિધતા પર પ્રતિકૂળ સામાજિક અસરો પડશે. સાથે સાથે, અહીં તેમજ બુંદેલખંડ અને તેનાથી દૂરના લોકો ગરીબ બનશે.”
77 મીટર ઊંચો ડેમ 14 ગામડાંને ડૂબાડી દેશે. તે વાઘના મુખ્ય નિવાસસ્થાનને પણ ડૂબાડી દેશે, મહત્ત્વપૂર્ણ વન્યજીવ કૉરિડૉરને કાપી નાખશે, અને તેથી બાબુલાલના ગામ જેવાં અન્ય આઠ ગામોને રાજ્ય દ્વારા વળતરની જમીન તરીકે વન વિભાગને સોંપવામાં આવ્યાં છે.
અત્યાર સુધી, આમાં કશુ ં અજુગતું નથી. લાખો ગ્રામીણ ભારતીયો, ખાસ કરીને આદિવાસીઓ, ચિત્તા, વાઘ , નવીનીકરણીય ઊર્જા, બંધ અને ખાણો માટે જગ્યા કરવા માટે નિયમિતપણે વિસ્થાપિત થતા રહે છે.
હાલ તેના 51મા વર્ષમાં પહોંચેલા પ્રોજેક્ટ ટાઇગરની અદ્ભુત સફળતા — 3,682 વાઘ (2022 વાઘની વસ્તી ગણતરી મુજબ), ભારતના સ્વદેશી વન સમુદાયોએ ચૂકવેલી મોટી કિંમતને આભારી છે. આ સમુદાયો દેશના સૌથી વધુ વંચિત નાગરિકોમાંના એક છે.
1973માં ભારતમાં નવ વાઘ પ્રકલ્પ હતા, આજે આપણી પાસે 53 છે. 1972થી આપણે ઉમેરેલા દરેક વાઘ માટે, સરેરાશ 150 વનવાસીઓને વિસ્થાપિત કર્યા છે. અને તે પણ એક ગંભીર રીતે ઓછો અંદાજ છે.
જોકે, આનો અંત ક્યાંય દેખાતો નથી — 19 જૂન, 2024ના રોજ, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (એન.ટી.સી.એ.) દ્વારા બહાર પાડવામાં આવેલા એક પત્રમાં દેશભરનાં 591 ગામોને પ્રાથમિકતાના આધારે ખસેડવા માટે કહેવામાં આવ્યું છે.
પન્ના વાઘ પ્રકલ્પ (પી.ટી.આર.)માં 79 વાઘ છે અને ડેમ મુખ્ય વન વિસ્તારના મોટા ભાગને ડૂબાડી દેવાનો હોવાથી તેમને એટલી જગ્યા બીજે ફાળવવી આવશ્યક થઈ જાય છે. આ માટે, બાબુલાલની જમીન અને ગાદરામાં આવેલું ઘર વાઘને ફાળે જાય છે.
સરળ શબ્દોમાં કહીએ તોઃ આ ‘વળતર’ વન વિભાગને આપવામાં આવી રહ્યું છે, વિસ્થાપિત ગ્રામવાસીઓને નહીં. તેઓ તો કાયમ માટે તેમનાં ઘર ગુમાવી રહ્યા છે.
પન્ના રેન્જનાં ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર અંજના તિર્કી કહે છે, “અમે ફરીથી જંગલ ઊભું કરીશું. અમારું કામ તેને ઘાસના મેદાનમાં રૂપાંતરિત કરવાનું અને વન્યજીવનને નભાવવાનું છે.” તેઓ આ પ્રોજેક્ટના કૃષિપારિતાંત્રિક પાસાં પર ટિપ્પણી કરવા તૈયાર નથી.
જોકે, નામ ન આપવાની શરતે અધિકારીઓ સ્વીકારે છે કે તેઓ 60 ચોરસ કિલોમીટરના ગાઢ અને જૈવવિવિધતાથી ભરપૂર જંગલની ભરપાઈ કરવા માટે છોડ ઉગાડવા સિવાય બીજું કંઈ કરી શકે એમ નથી. યુનેસ્કોએ પન્નાને વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ્સમાં સામેલ કર્યાના માત્ર બે વર્ષની અંદર આ થવા જઈ રહ્યું છે. કુદરતી જંગલોમાંથી આશરે 46 લાખ વૃક્ષો કાપવાની જળશાસ્ત્રીય અસરો શું હશે (2017માં વન સલાહકાર સમિતિની બેઠકમાં આપવામાં આવેલા મૂલ્યાંકન મુજબ) તેનું મૂલ્યાંકન પણ કરવામાં નથી આવ્યું.
વાઘ જંગલના એકમાત્ર કમનસીબ રહેવાસીઓ નથી. ભારતના ત્રણ ઘરિયાલ (મગર) અભયારણ્યોમાંનું આ એક પ્રસ્તાવિત બંધથી થોડા કિલોમીટર નીચે આવેલું છે. આ વિસ્તાર ભારતીય ગીધ માટે એક મહત્ત્વપૂર્ણ રહેણાંક સ્થળ પણ છે — જે ગંભીર રીતે લુપ્તપ્રાય પક્ષીઓ માટે આઈ.યુ.સી.એન.ના રેડ લિસ્ટમાં છે. આ ઉપરાંત ઘણા મોટા શાકાહારી અને માંસભક્ષક પ્રાણીઓ પણ તેમનું નિવાસસ્થાન ગુમાવશે.
બાબુલાલ એક નાના ખેડૂત છે જેમની પાસે થોડા વીઘા વરસાદ આધારિત જમીન છે જેના પર તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે આધાર રાખે છે. “જવા માટે કોઈ તારીખ આપવામાં આવી ન હોવાથી, અમે વિચાર્યું કે અમે થોડી મક્કાઈ (મકાઈ) રોપીશું જેથી અમારો ખાવાનો બંદોબસ્ત થઈ જાય.” જ્યારે તેઓ અને ગામના સેંકડો અન્ય લોકો તેમનાં ખેતર તૈયાર કરી રહ્યા હતા, ત્યારે ફોરેસ્ટ રેન્જર્સ દેખાયા. “તેમણે અમને રોકાવા કહ્યું. તેઓએ કહ્યું, ‘જો તમે નહીં સાંભળો તો અમે એક ટ્રેક્ટર લાવીને તમારા ખેતરોને કચડી નાખીશું.’”
પારીને તેમની પડતર જમીન બતાવીને તેઓ નિસાસો નાખતાં કહે છે, “ન તો તેઓએ અમને અમારું સંપૂર્ણ વળતર આપ્યું છે કે જેથી અમે બીજે જઈએ, કે ન તો તેઓએ અમને અહીં રહેવા અને વાવણી કરવા દીધા છે. અમે સરકારને પૂછી રહ્યા છીએ − જ્યાં સુધી અમારું ગામ અહીં છે, ત્યાં સુધી તો અમને અમારાં ખેતરોમાં ખેતી કરવા દો… નહીંતર અમે ખાઈશું શું?”
પૂર્વજોનાં ઘર ગુમાવવા એ બીજો ફટકો છે. દેખીતી રીતે વ્યથિત સ્વામી પ્રસાદ પરોહર પારીને કહે છે કે તેમનો પરિવાર 300 વર્ષથી વધુ સમયથી ગાદરામાં રહે છે. “અમારી પાસે ખેતીની આમદની [આવક] હતી, અથવા તો મહુઆ અને તેંદુ જેવી આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ વન પેદાશો પણ હતી… હવે અમે ક્યાં જઈશું? અમારી મોત ક્યાં થશે? અમે ક્યાં તણાઈશું… કોણ જાણે?” 80 વર્ષીય બાબુલાલને ચિંતા છે કે આવનારી પેઢીઓ જંગલ સાથેનો તમામ સંપર્ક ગુમાવી દેશે.
*****
નદીને જોડવાનો પ્રોજેક્ટ એ ‘વિકાસ’ના નામે સરકારનો જમીન પચાવી પાડવાનો નવો પેંતરો છે.
ઓક્ટોબર 2023માં જ્યારે કેન-બેતવા નદી જોડાણ પરિયોજના (કે.બી.આર.એલ.પી.) માટે અંતિમ મંજૂરી મળી ત્યારે ભાજપના તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. તેમણે તેને “પાછળ રહી ગયેલા બુંદેલખંડના લોકો માટે ભાગ્યશાળી દિવસ” ગણાવ્યો હતો. તેમણે તેમના રાજ્યના હજારો ખેડૂતો, પશુપાલકો, વનવાસીઓ અને તેમના પરિવારોનો ઉલ્લેખ કર્યો ન હતો કે જેઓ તેનાથી વંચિત રહેશે. કે ન તો તેમણે એની પરવા કરી કે વનની મંજૂરી એ આધારે આપવામાં આવી હતી કે વીજ ઉત્પાદન પી.ટી.આર.ની બહાર હશે, પરંતુ હવે તે અંદર છે.
વધારાના પાણીને પાણીના ઘટાડાવાળી નદીના તટપ્રદેશો સાથે જોડવાનો વિચાર 1970ના દાયકામાં શરૂ થયો હતો અને રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી (એન.ડબલ્યુ.ડી.એ.)ની સ્થાપના કરાઈ હતી. તેણે દેશમાં નદીઓ પર 30 જોડાણો − નહેરોની ‘ભવ્ય માળા’ની સંભાવનાનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું.
કેન નદી મધ્ય ભારતની કાઈમુર ટેકરીઓમાંથી ઉદ્દભવે છે અને તે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં યમુના સાથે મળતા ગંગા તટપ્રદેશનો એક ભાગ છે. તેની 427 કિલોમીટર લંબાઈ દરમિયાન તે પન્ના વાઘ પ્રકલ્પમાંથી પસાર થાય છે. ઉદ્યાનની અંદરના ધોળન ગામમાં ડેમ બનવા જઈ રહ્યો છે.
કેનની દૂર પશ્ચિમમાં બેતવા નદી વહે છે. કે.બી.એલ.આર.પી.નો ઉદ્દેશ કેન નદીના વધારાને પાણીને ‘પાણીની ઉણપવાળી’ બેતવા નદીમાં ઠાલવવાનો છે. આ બંનેને જોડવાથી આર્થિક રીતે પછાત વિસ્તાર અને મોટી વોટબેંક એવા બુંદેલખંડના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં 343,000 હેક્ટર જમીનની સિંચાઈ થવાની અપેક્ષા છે. પરંતુ હકીકતમાં, વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રોજેક્ટ બુંદેલખંડમાંથી બુંદેલખંડની બહાર ઉપરી બેતવા તટપ્રદેશના વિસ્તારોમાં પાણીની નિકાસ કરવાની સુવિધા આપશે.
ડૉ. નચિકેત કેલકર કહે છે કે કેન નદી પાસે વધારાનું પાણી છે તે ધારણા પર સવાલ ઉઠાવવાની જરૂર છે. કેન પર — બરિયાળપુર બંધ, ગંગાઉ બંધ અને પવઈ ખાતે જે બંધ પહેલેથી જ અસ્તિત્વમાં છે, તેનાથી સિંચાઈની વ્યવસ્થા થવી જોઈતી હતી. વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટના આ જીવવિજ્ઞાની ઉમેરે છે, “જ્યારે મેં કેટલાંક વર્ષો પહેલાં કેન પર આવેલા બાંદા અને તેની આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી, ત્યારે મેં નિયમિતપણે સાંભળ્યું હતું કે સિંચાઈનું પાણી ઉપલબ્ધ નથી.”
2017માં નદીની લંબાઈ સુધી ચાલનારા એસ.એ.એન.ડી.આર.પી.ના સંશોધકોએ એક અહેવાલમાં લખ્યું હતું કે, “કેન હવે દરેક જગ્યાએ બારમાસી નદી નથી… તેના એક લાંબા ભાગમાં પાણી નથી.”
કેન નદી પોતે જ સિંચાઈની અછતનો અનુભવ કરે છે, તેથી જો તે બેતવા નદીને કંઈ આપશે તો તેને પોતાને માટે અછત સર્જાશે. પન્નામાં પોતાનું આખું જીવન જીવેલા નીલેશ તિવારીએ આ મુદ્દાને ઉજાગર કર્યો હતો. તેઓ કહે છે કે ડેમ અંગે ઘણો ગુસ્સો છે કારણ કે તે મધ્યપ્રદેશના લોકોને કાયમી ધોરણે વંચિત રાખશે, જ્યારે પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશને ફાયદો થાય તેવું લાગે છે.
તિવારી કહે છે, “આ બંધ લાખો વૃક્ષો ને હજારો પ્રાણીઓને ડૂબાડી દેશે. લોકો [વનવાસીઓ] તેમની સ્વતંત્રતા ગુમાવશે, તેઓ બેઘર બની જશે. લોકો ગુસ્સે છે, પરંતુ સરકારને કંઈ પડી નથી.”
જાંકા બાઈના ઉમરાવન ખાતે આવેલા ઘરને 2015માં વિસ્તરતો પી.ટી.આર. ભરખી ગયો હતો. તેઓ કહે છે, “ક્યાંક, તેઓએ [સરકારે] એક રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરી, ક્યાંક આ નદીમાં એક બંધ તો ક્યારેક પેલી નદીમાં…. અને લોકોએ વિસ્થાપિત થવું પડે છે ને પોતાનું વતન છોડીને જવું પડે છે.”
પચાસ વર્ષીય ગોંડ આદિવાસીઓના ગામ ઉમરાવનનાં આ રહેવાસી છેલ્લા એક દાયકાથી પૂરતા વળતર માટે લડી રહ્યાં છે. વાઘના નામે છીનવી લેવામાં આવેલી તેમની જમીન હવે એક રિસોર્ટ બનવાનો છે એ હકીકત તરફ ધ્યાન દોરતાં તેઓ કહે છે, “સરકારને અમારા ભવિષ્યની કે અમારાં બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી. તે અમને બસ છેતરતી જ રહે છે. જુઓ અહીં તે જમીન છે જેનું તેઓએ પ્રવાસીઓને આવવા અને રહેવા માટે સર્વેક્ષણ કર્યું છે, અમને બહાર કાઢી મૂક્યા પછી”
*****
ડિસેમ્બર 2014માં, કેન-બેતવા નદીના જોડાણની જાહેરાત એક કહેવાતી જાહેર સુનાવણીમાં કરવામાં આવી હતી.
જોકે, સ્થાનિક લોકો કસમ ખાઈને કહે છે કે કોઈ જાહેર સુનાવણી થઈ ન હતી, માત્ર ખાલી કરાવવાની સૂચનાઓ અને મૌખિક વચનો આપવામાં આવ્યાં હતાં. તે જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમ , 2013 (એલ.એ.આર.આર.એ.)ના વાજબી વળતર અને પારદર્શિતાના અધિકારનું ઉલ્લંઘન છે. આ અધિનિયમ આદેશ આપે છે કેઃ “જમીન સંપાદનની બાબતો સત્તાવાર રાજપત્રમાં, સ્થાનિક અખબારોમાં, સ્થાનિક ભાષામાં, સંબંધિત સરકારી સ્થળો પર જાહેર થવી જોઈએ.” એક વાર જાહેરનામું આપવામાં આવે તે પછી, આ હેતુ માટે બોલાવવામાં આવેલી બેઠક દ્વારા ગ્રામ સભા (પરિષદ)ને જાણ કરવી આવશ્યક હોય છે.
સામાજિક કાર્યકર્તા અમિત ભટનાગર નિર્દેશ કરે છે, “સરકારે કાયદામાં નિર્ધારિત કોઈ પણ રીત દ્વારા લોકોને સૂચિત કર્યા ન હતા. અમે ઘણી વખત પૂછ્યું છે કે, ‘અમને જણાવો કે તમે કાયદાની કઈ કલમ હેઠળ આ કરી રહ્યા છો.’” આ વર્ષે જૂનમાં તેમણે ગ્રામસભામાં હાજર રહેલા લોકોના હસ્તાક્ષરનો પુરાવો જોવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીના સભ્ય ભટનાગર કહે છે, “પહેલાં અમને જણાવો કે તમે [સરકારે] ગ્રામસભાની કઈ બેઠક કરી હતી, કારણ કે તમે કરી જ નહોતી. બીજું, કાયદો કહે છે તેમ આ યોજનામાં લોકોની સંમતિ હોવી જોઈએ જે તેમની પાસે નથી. અને ત્રીજું, જો તેઓ જવાના જ હોય, તો તમે તેમને ક્યાં મોકલી રહ્યા છો? તમે આ અંગે કશું કહ્યું નથી, કે ન કોઈ નોટિસ કે માહિતી આપી છે.”
માત્ર એલ.એ.આર.આર.એ.ની અવગણના કરવામાં આવી હતી એટલું જ નહીં, પરંતુ રાજ્યના અધિકારીઓએ જાહેર મંચો પર વચનો પણ આપ્યા હતા. ધોળનના નિવાસી ગુરૂદેવ મિશ્રા કહે છે કે દરેકને તેમની સાથે છેતરપિંડી થઈ હોય તેવો અહેસાસ થાય છે. “અધિકારીઓએ કહ્યું, ‘અમે તમને તમારી જમીનના બદલામાં જમીન આપીશું, તમારા ઘરના બદલે પાકુ ં ઘર બનાવી આપીશું, તમને રોજગાર મળશે. તમારી વિદાય એક વહાલી દીકરી જેવી હશે.”
એક ભૂતપૂર્વ સરપંચ એવા ગુરૂદેવ ગામની અનૌપચારિક સભામાં પારી સાથે વાત કરી રહ્યા છે. તેઓ કહે છે, “અમે ફક્ત પૂછી રહ્યા છીએ કે સરકારે શું વચન આપ્યું હતું, [છત્રપુરના] જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી, [કે.બી.આર.એલ.પી.] પ્રોજેક્ટના અધિકારીઓ, વગેરે જ્યારે અહીં આવ્યા હતા ત્યારે અમને શું વચન આપ્યું હતું. પણ તેઓએ તેમાંથી કોઈનું પાલન નથી કર્યું.”
પી.ટી.આર.ની પૂર્વ બાજુએ આવેલ ગાદરામાં પણ પરિસ્થિતિ અલગ નથી. એંશી વર્ષીય પરોહર કહે છે, “[પન્નાના] કલેક્ટરે કહ્યું હતું કે તમે જે રીતે રહો છો એ જ રીતે અમે તમને સ્થાપિત કરીશું. તે તમારી સુવિધા માટે હશે. અમે તમારા માટે આ ગામનું પુનઃનિર્માણ કરીશું. પણ કંઈ કરવામાં આવ્યું નથી, અને હવે અમને જવા માટે કહેવામાં આવી રહ્યું છે.”
વળતરની રકમ પણ સ્પષ્ટ નથી અને ઘણા આંકડાઓ અફવાપેટે સંભળાતા રહે છે — 18 વર્ષથી વધુ વયના દરેક પુરુષ માટે 12 થી 20 લાખ રૂપિયા. અહીંના લોકો પૂછે છેઃ “શું તે માથાદીઠ છે કે પરિવારદીઠ? જે પરિવારમાં ફક્ત મહિલાઓ જ હોય તેનું શું? અને શું તેઓ અમને જમીન માટે અલગથી વળતર આપશે? અમારાં પ્રાણીઓનું શું થશે? અમને કંઈ પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું નથી.”
સરકારી કાર્યવાહી પાછળનાં જૂઠ્ઠાણાં અને અસ્પષ્ટતાના પરિણામે, પારીએ મુલાકાત લીધેલા દરેક ગામમાં, કોઈને ખબર નહોતી કે તેઓએ ક્યારે અને ક્યાં જવાનું થશે. તેઓને ઘર, જમીન, પશુઓ અને વૃક્ષો માટે વળતરની ચોક્કસ રકમ કે દર વિષે પણ કોઈ જાણ નહોતી. 22 ગામોના લોકો સ્થગિત હિલચાલની સ્થિતિમાં જ રહેતા હોય તેવું લાગે છે.
ધોળનમાં તેમના ઘરની બહાર ડેમ તેમને ડૂબાડી દેશેની ચિંતામાં કૈલાશ આદિવાસી પોતાની જમીનની માલિકી સાબિત કરવા માટે ભૂતકાળની રસીદો અને સત્તાવાર દસ્તાવેજો બહાર કાઢે છે. “તેઓ કહે છે કે મારી પાસે પટ્ટા [માલિકીનો સત્તાવાર દસ્તાવેજ] નથી. પણ મારી પાસે આ રસીદો છે. મારા પિતા, દાદા, પરદાદા… બધા આ જ જમીનનો ભોગવટો કરતા હતા. મારી પાસે બધી જ રસીદો છે.”
વન અધિકાર અધિનિયમ 2006 અનુસાર, આદિવાસી અથવા વનવાસી આદિજાતિઓને “કોઈ પણ સ્થાનિક સત્તા અથવા કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા જંગલની જમીન પરના પટ્ટા અથવા ભાડાપટ્ટા અથવા અનુદાનને શીર્ષકમાં રૂપાંતરિત કરવાની” મંજૂરી છે.
પરંતુ કૈલાશને વળતર આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, કારણ કે તેમના કાગળો ‘પૂરતા નથી.’ “અમે હવે સ્પષ્ટ નથી કે આ જમીન અને ઘર પર અમારો અધિકાર છે કે નહીં. અમને વળતર મળશે કે નહીં તે જણાવવામાં આવી રહ્યું નથી. તેઓ અમને ભગાડી મૂકવા માંગે છે. કોઈ અમને સાંભળી રહ્યું નથી.”
ડેમના જળાશયથી 14 ગામ ડૂબી જશે. અન્ય આઠ ગામોને સરકાર દ્વારા વળતર તરીકે વન વિભાગને સોંપવામાં આવ્યાં છે
બાજુના ગામ પાલકોહામાં જુગલ આદિવાસી ખાનગીમાં બોલવાનું પસંદ કરે છે. અમે ગામના પાદરેથી દૂર જઈએ છીએ ત્યારે તેઓ કહે છે, “પટવારી [વડા] જાહેર કરે છે કે અમારી પાસે તમારા પટ્ટાનો કોઈ રેકોર્ડ નથી. અડધા લોકોને થોડું વળતર મળ્યું છે, અને બાકીનાને કંઈ મળ્યું નથી.” તેમને ચિંતા છે કે જો તેઓ હવે તેમનું વાર્ષિક સ્થળાંતર ફરી શરૂ કરશે, તો તેઓ જે કાંઈ વળતર મળવાનું હશે તેને ગુમાવી દેશે, અને તેમનાં સાત બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે.
તેઓ યાદ કરીને કહે છે, “જ્યારે હું નાનો છોકરો હતો, ત્યારે હું જમીન પર કામ કરતો હતો અને અમે જંગલમાં જતા હતા. પરંતુ છેલ્લાં 25 વર્ષોમાં, વાઘ પ્રકલ્પ બની ગયેલા જંગલમાં પ્રવેશ પર પ્રતિબંધને કારણે તેમના જેવા આદિવાસીઓ પાસે દૈનિક વેતનના કામ માટે સ્થળાંતર કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
વિસ્થાપિત થનારાં ગામડાંમાં મહિલાઓ તેમનો યોગ્ય હિસ્સો મેળવવા માટે મક્કમ છે. પાલકોહામાં (દલિત) રવિદાસ સમુદાયનાં એક ખેડૂત સુન્ની બાઈ કહે છે, “[પ્રધાનમંત્રી] મોદી હંમેશાં કહે છે કે ‘મહિલાઓ માટે આ યોજના… મહિલાઓ માટે પેલી યોજના’. અમારે તે નથી જોઈતું, અમને તો જે અમારો હક છે તે જોઈએ છે.”
એક પુત્ર અને બે પુત્રીઓનાં આ માતા પૂછે છે, “શા માટે માત્ર પુરુષોને [વળતર] પેકેજ મળી રહ્યું છે અને મહિલાઓ માટે કંઈ નથી. સરકારે કયા આધારે આ કાયદો બનાવ્યો છે? જો કોઈ સ્ત્રી અને તેના પતિના છૂટાછેડા થઈ જાય, તો તે પોતાને અને પોતાનાં બાળકોને શું ખવડાવશે? કાયદાએ આ બધા વિશે વિચારવું જોઈએ… છેવટે, તે પણ મતદાર છે.”
*****
અહીંના લોકો પારીને કહે છે, “ જલ, જીવન, જંગલ અને જાનવાર [પાણી, આજીવિકા, જંગલો અને પ્રાણીઓ]. અમે આને માટે લડી રહ્યા છીએ.”
ધોળનના ગુલાબબાઈ અમને તેમનું મોટું આંગણું બતાવે છે અને કહે છે કે ઘર માટેના વળતરમાં આંગણા અને રસોડાને બાકાત રાખવામાં આવ્યા છે કારણ કે તેઓ તેમના વસવાટ ખંડની ‘દિવાલો’ની બહાર આવેલાં છે. 60 વર્ષીય વ્યક્તિ પીછેહઠ નથી કરી રહ્યા. “આદિવાસીઓને [મારા જેવા] શાસન [વહીવટીતંત્ર] તરફથી કંઈ મળ્યું નથી. હું અહીંથી ભોપાલ [રાજ્યની રાજધાની] સુધી લડીશ. મારી પાસે તાકાત છે. મેં આ બધું જોયેલું છે. હું ગભરાતો નથી. હું આંદોલન [વિરોધ] કરવા માટે તૈયાર છું.”
કે.બી.આર.એલ.પી.ની સામેનો વિરોધ 2017માં ગ્રામ્ય સભાઓ સાથે નાના પાયે શરૂ થયો હતો. પછી તેની ઝડપ વધી અને 31 જાન્યુઆરી, 2021ના રોજ, 300થી વધુ લોકો એલ.એ.આર.આર.એ.ના ઉલ્લંઘનના વિરોધમાં છત્રપુર જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે વિરોધ કરવા એકઠા થયા હતા. 2023ના પ્રજાસત્તાક દિને ત્રણ જળ સત્યાગ્રહોમાંથી પ્રથમમાં (પાણી સંબંધિત કારણો માટે વિરોધ) પી.ટી.આર.ના 14 ગામોના હજારો લોકોએ તેમના બંધારણીય અધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવ્યો હતો.
સ્થાનિકો કહે છે કે તેમનો ગુસ્સો વડાપ્રધાન સુધી પહોંચી ગયો છે, જેમણે ગયા વર્ષે બંધના ઉદ્ઘાટન માટે ધોળન ન આવવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ પત્રકાર સ્વતંત્ર રીતે તેની પુષ્ટિ કરી શક્યાં ન હતાં.
પ્રોજેક્ટને લગતા વિવાદ અને દુર્ભાવનાએ ઓગસ્ટ 2023માં શરૂ થયેલી ટેન્ડર પ્રક્રિયાને અસર કરી હતી. તેમાં કોઈ ટેન્ડર ભરનાર નહોતું મળ્યું. તેથી, તારીખો છ મહિના માટે લંબાવવામાં આવી હતી.
સરકારી કાર્યવાહી પાછળનાં જૂઠ્ઠાણાં અને અસ્પષ્ટતાના પરિણામે, પારીએ મુલાકાત લીધેલા દરેક ગામમાં, કોઈને ખબર નહોતી કે તેઓએ ક્યારે અને ક્યાં જવાનું થશે. તેઓને ઘર, જમીન, પશુઓ અને વૃક્ષો માટે વળતરની ચોક્કસ રકમ કે દર વિષે પણ કોઈ જાણ નહોતી. 22 ગામોના લોકો સ્થગિત હિલચાલની સ્થિતિમાં જ રહેતા હોય તેવું લાગે છે
*****
જિવવિજ્ઞાની કેલકર નિર્દેશ કરે છે, “મધ્ય ભારતમાં આબોહવા પરિવર્તન વિશે વધુ લોકો વાત નથી કરતા, પરંતુ અહીં ભારે વરસાદની ઘટનાઓ તેમજ દુષ્કાળમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે, જે બંને ઘટનાઓ આબોહવા પરિવર્તનની અસરોની સૂચક છે. મધ્ય ભારતની મોટાભાગની નદીઓમાં આબોહવા પરિવર્તનને કારણે ઝડપી પ્રવાહ જોવા મળી રહ્યો છે, પરંતુ તે ટકી શકશે નહીં. આ પ્રવાહોને લીધે કદાચ ત્યાં વધારાનું પાણી હોવાની કલ્પનાને વેગ મળતો હશે, પરંતુ આબોહવા પરિવર્તનના અંદાજો હેઠળ, તે સ્પષ્ટ છે કે તે ટૂંકા ગાળાના હશે.”
તેઓ ચેતવણી આપે છે કે જો આ ટૂંકા ગાળાના ફેરફારોને નદીઓને જોડવા માટે અવગણવામાં આવશે, તો ભવિષ્યમાં આ પ્રદેશે વધુ ગંભીર દુષ્કાળનો સામનો કરવો પડી શકવાની શક્યતાને નકારી શકાય નહીં.
ઠક્કર એ પણ ચેતવણી આપે છે કે કુદરતી જંગલના વિશાળ વિસ્તારના વિનાશની જળશાસ્ત્રીય અસર એક મોટી અને મૂર્ખામી ભરેલી ભૂલ છે. “સુપ્રીમ કોર્ટની કેન્દ્રીય અધિકાર પ્રાપ્ત સમિતિના અહેવાલમાં આ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, પરંતુ તે અહેવાલને સુપ્રીમ કોર્ટે પણ ધ્યાનમાં લીધો નથી.”
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈ.આઈ.ટી.) મુંબઈ દ્વારા વર્ષ 2023માં નેચર કોમ્યુનિકેશનમાં નદીઓને જોડવા પર પ્રકાશિત થયેલા એક પેપરમાં પણ ચેતવણી આપવામાં આવી છેઃ “સ્થાનાંતરિત પાણીથી સિંચાઈમાં વધારો થવાથી ભારતના પહેલાંથી જ પાણીના તણાવવાળા પ્રદેશોમાં સપ્ટેમ્બરમાં સરેરાશ વરસાદમાં 12% જેટલો ઘટાડો થાય છે...સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ ચોમાસા પછી નદીઓને સૂકવી શકે છે, સમગ્ર દેશમાં પાણીના તણાવમાં વધારો કરે છે અને નદીઓના જોડાણને નકામું બનાવે છે.”
હિમાંશુ ઠક્કર ઉમેરે છે કે, રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી (એન.ડબલ્યુ.ડી.એ.), કે જેની છત્રછાયા હેઠળ આ પ્રોજેક્ટ અમલમાં મૂકાઈ રહ્યો છે, દ્વારા પણ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓનું બહાનું બનાવીને વૈજ્ઞાનિકો સાથે વહેંચવામાં આવી રહ્યો નથી.
2015માં, જ્યારે ડેમ વાસ્તવિક સંભાવના જેવો દેખાવા લાગ્યો, ત્યારે એસ.એ.એન.ડી.આર.પી.માં ઠક્કર અને અન્ય લોકોએ પર્યાવરણ મૂલ્યાંકન સમિતિ (ઇ.એ.સી.)ને ઘણા પત્રો લખ્યા હતા. આવા એક ‘ખામીયુક્ત કેન−બેતવા ઇ.આઇ.એ. અને જાહેર સુનાવણીઓનું ઉલ્લંઘન’ શીર્ષક ધરાવતા પત્રમાં લખવામાં આવ્યું છે: “પ્રોજેક્ટની ઇ.આઇ.એ. મૂળભૂત રીતે ખામીયુક્ત અને અપૂર્ણ છે અને તેની જાહેર સુનાવણીમાં અસંખ્ય ઉલ્લંઘનો કરાયા છે. આવા અપૂરતા અભ્યાસો સાથે પ્રોજેક્ટને કોઈ પણ મંજૂરી માત્ર ખોટી જ નહીં, પરંતુ ગેરકાયરદેસર નિવડશે.”
આ દરમિયાન લાખ કરતાં વધુ વૃક્ષોનું પહેલેથી જ નિકંદન કરવામાં આવ્યું છે. ખાલી કરાવવાની ધમકીઓ વળતરની કોઈ સ્પષ્ટ કલ્પના વિના હવામાં લટકી રહી છે. ખેતી કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. દૈનિક વેતનના કામ માટે સ્થળાંતર કરવાથી વળતરના નામે મળનારી કોઈ પણ સંભવિત ફાળવણીમાંથી બાકાત રહેવાનું જોખમ છે.
સુન્ની બાઈ આ બધાનો સારાંશ આ થોડા શબ્દોમાં આપે છેઃ “અમારે બધી બાજુ નુકસાન છે. તેઓ તેને છીનવી રહ્યા છે. તેઓએ અમારી મદદ કરવી જોઈએ. તેના બદલે તેઓ કહે છે, ‘આ પેકેજ છે, ફોર્મ પર સહી કરો, તમારા પૈસા લો અને જતા રહો.’”
અનુવાદક: ફૈઝ મોહંમદ