મરહઈ માતાના મંદિરના ચાર ફૂટ ઊંચા દરવાજે મોટાભાગના ભક્તોને માથું નમાવ્યા સિવાય છૂટકો નથી. પરંતુ માતાની ઉપચાર શક્તિઓ માટે લોકોમાં એટલો આદર છે, કે મરહા ગામ અને તેની આસપાસથી આવતા સંખ્યાબંધ લોકો તેમને આપોઆપ જ નમન કરે જ છે.
બાબુ સિંહ કહે છે, “જો તમારા પરિવારમાં કોઈ બીમાર હોય, તો તમે અહીં આવીને ભગવતીને પ્રાર્થના કરી શકો છો.” મોટા વડના ઝાડ નીચે બેઠેલા અન્ય લોકોની જેમ તેઓ પણ પૂજા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ભગવતી આ મંદિરનાં દેવીનું નામ છે. તેઓ આત્મવિશ્વાસથી ઉમેરે છે, “તે સમસ્યાને હલ કદી દેશે — પછી તે બીમારી હોય કે ભૂત અથવા ડાયણ [ચૂડેલ].”
બુધવારનો દિવસ છે ને આજની બેઠક વિશેષ છે — આજે મંદિરના પૂજારી (સ્થાનિક રીતે પંડા તરીકે ઓળખાતા)ને દેવી વશમાં કરી લેશે. તેમના દ્વારા, તેઓ ભક્તોના પ્રશ્નોના જવાબ આપશે અને સામાન્ય રીતે સ્વાસ્થ્યને લગતી તેમની સમસ્યાઓના ઉકેલ આપશે.
મોટાભાગના ભક્તો ગહદરા, કોની, કુડન, ખામરી, માજોલી, મરહા, રક્ષેહા અને કઠેરી બિલ્હાટા ગામોના પુરુષો છે, પરંતુ થોડી સ્ત્રીઓ પણ હાજર છે, જેમણે માથે ઘૂંઘટ બાંધેલો છે.
ભૈયા લાલ આદિવાસીબપોર થતાંમાં તો વ્યસ્ત થઇ જાય છે. સ્થાનિક પૂજારી અને વ્યાધિના આ વિવેચક કહે છે, “આઠ ગાંવ કે લોગ આતે હૈ, [આઠ ગામોના લોકો અહીં આવે છે].”. આ ગોંડ આદિવાસીનો પરિવાર ઘણી પેઢીઓથી દેવીની સેવા કરી રહ્યો છે.
મંદિરની અંદર, પુરુષોનું એક જૂથ ઢોલક અને હાર્મોનિયમ સહિત વિવિધ વાદ્યો વગાડે છે અને રામ અને સીતાના નામનો જાપ કરે છે.
એક ખૂણામાં ઝટ નજરે ન ચડે એવો એક ઘડો પડેલો છે જેની ઉપર થાળી મૂકેલી છે. એ થાળી વિષે પન્નાના રહેવાસી નીલેશ તિવારી કહે છે, “થાલી બજેગી આજ [તેઓ આજે થાળી વગાડશે].”
ભૈયા લાલે આવીને દેવીની સામે પોતાનું સ્થાન લઈ લીધું છે. તેઓ લગભગ 20 લોકોથી ઘેરાયેલા છે જેઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે. ઓરડામાં વાતાવરણ થાળીના અવાજનો કોલાહલ, અગરબત્તીઓમાંથી નીકળતો ધુમાડો, મંદિરની સામે નાની અગ્નિનો તેજસ્વી પ્રકાશ, આ બધું એ સમય તરફ દોરી જાય છે જ્યારે દેવી પૂજારીને વશ કરી લેશે.
સંગીતનો અવાજ બુલંદ થતો જાય છે, તેમ તેમ પંડા અટકી જાય છે, અને પોતાને પગ પર સંતુલિત કરે છે. કોઈ કંઈ બોલતું નથી, પણ આનો અર્થ છે કે તેમનાં દેવી પ્રકટ થઈ ગયાં છે. તેમના પ્રશ્નોના જવાબ મેળવવા ભક્તોમાં ભીડ જોવા મળી રહી છે. ભૈયા લાલના કાનમાં ધીમે અવાજે સવાલો કહેવામાં આવે છે અને તેઓ મુઠ્ઠીભર અનાજ ઉપાડે છે. તેઓ તેને સામેની લાદી પર ફેંકી દે છે, જેના આંકડા સારા કે નરસા પ્રતિભાવને સૂચવે છે.
ભક્તો અગરબત્તીમાંથી રાખ ભેગી કરે છે જેને તેઓ પવિત્ર માને છે અને તેને ગળી જાય છે — આ તેમની બીમારીનો ઈલાજ છે. મરહઈ માતાના પ્રસાદમાં ઉપચારનો મજબૂત ગુણ છે. પંડા સ્મિત સાથે કહે છે, “મને ખબર છે ત્યાં સુધી, તે ક્યારેય નિષ્ફળ નથી ગયો.”
અહીંના લોકો કહે છે કે ઉપચાર આઠ દિવસમાં થઈ જાય છે. તે પછી, ભૈયા લાલ ઉમેરે છે, “તમે દેવીને ગમે તે અર્પણ કરી શકો છો: નાળિયેર અથવા અઠવાઈ [ઘઉંની નાની પૂરી], કન્યા ભોજન અથવા ભાગવત − તે લાભકર્તા પર નિર્ભર છે.”
‘અમે અમારી જમીન ગુમાવી રહ્યા છે તે બધાંને ખરાબ લાગ છે. પરંતુ મને વધુ ખરાબ એ લાગે છે કે અમે આ પવિત્ર સ્થાન ગુમાવીશું. જો ગ્રામજનો કામની શોધમાં બહાર જવાનું પસંદ કરશે, તો કોણ જાણે અમારા લોકોનું શું થશે’
રહેવાસીઓ કહે છે કે ટાઈફોઈડ (સ્થાનિક રીતે બાબાજુ કી બિમારી તરીકે ઓળખાતા, બાબાજુ એ દૈવી આત્મા છે) મોટા પ્રમાણે જોવા મળે છે. રાજ્યભરમાં મહિલા આરોગ્ય અને પ્રસૂતિની ઉપેક્ષા કરવામાં આવે છે. રાષ્ટ્રિય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ 5 (2019-2021) અનુસાર, 1,000 જન્મ દીઠ 41 મૃત્યુ સાથે, મધ્ય પ્રદેશ દેશમાં સૌથી વધુ શિશુ મૃત્યુ દર ધરાવે છે.
પન્ના વાઘ પ્રકલ્પમાં અને તેની આસપાસના ગામો કાર્યકારી આરોગ્ય સંભાળ સુવિધાઓની સખત અછત છે − નજીકની સરકારી હોસ્પિટલ પન્ના શહેરમાં લગભગ 54 કિલોમીટર દૂર આવેલી છે, અને અમાનગંજમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.) લગભગ 22 કિલોમીટર દૂર આવેલું છે.
પન્નામાં આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં લગભગ સાત વર્ષથી કામ કરી રહેલી બિન-સરકારી સંસ્થા કોશિકાનાં દેવશ્રી સોમાણી કહે છે, “અહીંના લોકો ડૉક્ટરો અને હોસ્પિટલોની મુલાકાત લેવા અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લેવામાં અચકાય છે. અમારો સૌથી મોટો પડકાર એ છે કે તેમની પૌરાણિક ઉપચાર પદ્ધતિઓમાંના તેમના વિશ્વાસને માન આપીને ડૉક્ટરો પાસે મોકલવાં. અહીંનાં ગામડાઓના રહેવાસીઓ માને છે કે બીમારી એ માત્ર એક લક્ષણ છે, જે દૈવી વ્યક્તિત્વ અથવા મૃત પૂર્વજના ક્રોધિત હોવાને કારણે થાય છે.”
દેવશ્રી સમજાવે છે કે એલોપેથિક દવાના માળખામાં પણ, તેઓ જે ‘સારવાર’ મેળવે છે તે મોટાભાગે તેમની જ્ઞાતિની ઓળખથી પ્રભાવિત થાય છે, જે તેમને આવા ઉપાયો શોધતાં રોકે છે.
*****
આ વિસ્તારમાં પ્રસ્તાવિત કેન-બેતવા નદી જોડાણ પરિયોજના (કે.બી.આર.એલ.પી.) પન્ના અને છતરપુરનાં ઘણાં ગામોને ડૂબાડી દેશે. દાયકાઓથી આ યોજના વિચારાધીન હોવા છતાં, રહેવાસીઓ અચોક્કસ છે કે તેઓએ ક્યાં અને ક્યારે જવું પડશે. ટૂંક સમયમાં સ્થાનાંતરનો ખતરો મંડરાઈ રહ્યો હોવાથી અહીંના પુરુષો કહે છે, “ખેતી બંધ હૈ અબ” [અહીં ખેતી બંધ થઈ ગઈ છે]”. (વાંચો: પન્ના વાઘ પ્રકલ્પમાં આદિવાસીઓનું ભાવિ અંધકારમય ).
જોકે તેમને એટલી તો ખબર છે કે “અમે અમારી ભગવતીને અમારી સાથે લઈ જઈશું”, ભૈયા લાલ ખાતરી આપે છે. તેઓ કહે છે, “અમે અમારી જમીન ગુમાવી રહ્યા છે તે બધાંને ખરાબ લાગ છે. પરંતુ મને વધુ ખરાબ એ લાગે છે કે અમે આ પવિત્ર સ્થાન ગુમાવીશું. જો ગ્રામજનો કામની શોધમાં બહાર જવાનું પસંદ કરશે, તો કોણ જાણે અમારા લોકોનું શું થશે. ગામ વિખેરાઈ જશે. જો અમને ક્યાંક જવા માટે જગ્યા આપવામાં આવે, કે જ્યાં ભગવતી પુનઃસ્થાપિત થઈ શકે, તો પછી અમે બધા સુરક્ષિત રહીશું.”
સંતોષ કુમાર લગભગ 10 કિલોમીટર દૂર મજગવાનથી આવ્યા છે. તેઓ લગભગ 40 વર્ષથી નિયમિત રીતે મંદિરમાં આવે છે. 58 વર્ષીય સંતોષ કુમાર કહે છે, “તસલ્લી મિલતી હૈ [મને શાંતિનો અહેસાસ થાય છે].”
તેમની પાંચ-છ એકરની ખેતીની જમીન પર મસૂર [ફળી], ચના [ચણા] અને ગેહું [ઘઉં]ની ખેતી કરતા આ ખેડૂત કહે છે, “હવે અમારે જવાનું હોવાથી, મેં વિચાર્યું કે કદાચ એકાદ-બે વર્ષ પછી હું દેવીના દર્શન નહીં કરી શકું, તેથી હું આવ્યો છું.”
ભૈયા લાલને ખાતરી નથી કે તેમનો પુત્ર, જે હવે 20 વર્ષનો છે, તે દેવીની સેવા કરવાની પરંપરા ચાલુ રાખશે કે કેમ. તેઓ હસીને કહે છે, “વો તો ઉનકે ઉપર હૈ.” તેમનો પુત્ર તેમની પાંચ એકરની ખેતીની જમીન પર કામ કરે છે, અને ગેહું [ઘઉં] અને સરસો [સરસવ]ની ખેતી કરે છે. તેઓ અમુક પાક વેચે છે અને બાકીનો પોતાના ઉપયોગ માટે રાખે છે.
અમાનગંજથી અહીં આવેલાં ખેડૂત મધુ બાઈ કહે છે, “આરામ મિલતી હૈ.” અન્ય મહિલાઓ સાથે જમીન પર બેઠેલાં આ 40 વર્ષીય મહિલા કહે છે, “દર્શન કે લિયે આયે હૈ.” પૃષ્ઠભૂમિમાં સતત, લયબદ્ધ ગાવાનો અવાજ અને નગારાના ધબકારા વાગી રહ્યા છે.
ઢોલ અને હાર્મોનિયમનો આછો અવાજ ધીમે ધીમે વધતો રહે છે, જેના કારણે નજીકથી પણ એકબીજાને સાંભળવું અશક્ય બને છે. તેઓ ઊભાં થઈને પોતાની સાડી સરખી કરતાં કહે છે, “દર્શન કરકે આતે હૈ [હું હવે દેવીના દર્શન કરવા જાઉં છું].”
અનુવાદક: ફૈઝ મોહંમદ